હાદો ડાંગર - દોલત ભટ્ટ
લાઠી ગામમાં ડાંગર કુળના આયરનું ખોરડું છે. ડાંગર કુળના દીવડા જેવા બે ભાયું ખોરડાની વંશપરાની આબરૂને અણનમ રાખીને જીવતર જીવે છે.
ટાણે-કટાણે આવેલાને રુક્ષ આવકાર મળે છે. સાંજ-સવાર ખોરડે પાંચ-પચાસ મહેમાનો એંઠા હાથ કરે છે.
ધીંગી ધરા બારેય માસ પ્રાસવા મળે છે. આંગણે હાથણિયું જેવી ભગરી ભેંશુંનાં દૂઝણાં છે. એક વસૂકે ને બે વિયાય એવો ક્રમ જળવાતો રહે છે. એટલે દૂધનાં બોઘરાં કોઈ દી ઊણાં દેખાતાં નથી.
આવી દોમ દોમ સાહ્યબીમાં બેય ભાયું આળોટે છે. એકનું નામ છે ખોખો ડાંગર અને બીજાનું હાદો ડાંગર.
જેવો ખોખો પોરસીલો છે, એવો જ હાદો આગના કટકા જેવો છે. રાત-દી ધરતી ફાડી બાપોડી લઈને ભોમકાને રીઝવી અનગળ દાણો પેદા કરનારો હાદો ડાંગર ટાણું આવ્યે તલવાર પણ તાણી જાણે છે. હાદાની કાયા માથે જુવાની જાણે ભગડતૂતી રમવા માંડી છે. ત્રાંબાવરણા દેહ ઉપરથી ખમીર ત્રબકી રહ્યું છે.
આવા હાદા ડાંગરની પરણેતર આહીરાણી હજી તો આણુ વળીને હાલી આવે છે. પણ જાણે કે રાણીનો વસવાટ ઘરમાં જનમથી જ હોય એમ ઘરનો બધોય ભાર માથે વેંઢારી લીધો છે. દૂઝણાં, વાસીદાં, પાણી, ઝાડ-છોડ જાણે કે એને વળગીને પડ્યાં હોય એમ ઘડીવારેય નવરી રહેતી નથી.
છાતી સમાણો ઘૂમટો તાણીને એ તો ફૂદાંની જેમ ફરતી આખો દી ગળાડૂબ કામમાં રહે છે. રાત પહેલાં હાદો પરણેતરનું મોઢું જોવા પામતો નથી.
ખોખો ડાંગર, હાદાથી બે વરહે મોટો છે પણ ઘરનો મોભ બનીને બેઠેલો હોવાથી એનામાં પીઢતાએ વે'લો પગપેસારો કરી દીધો છે.
ડેલીએ ડાયરામાં હાકલા પડકારી કરતો.
ડાંગર ખોરડાને ઊજળું રાખતો વહે છે. આંગણે આવેલાની હારે હળહળતા રોટલા ને શેડકઢા દૂધનું વાળુ કરાવે છે.
આમ ખોખા ડાંગરની સુવાસ ચમેલીના ફૂલની જેમ ચોમેર ફેલાઈ ગઈ છે. લોકજીભે એક જ વેણ રાત-દી રમે છે.
‘ભાઈ, ખોખો ડાંગર ક્યાંય થાવો છે?’
આટલા વેણમાં તો ખોખાની તમામ બિરદાવળી આવી જાય છે. આટલા બોલમાં પારખનારો માણસ ખોખાની આબરૂને પામી જાય છે.
ત્યારે હાદાની કડપ આખા પરગણા માથે જામો કામી હતાં. એની તાતી તલવારનો ઘા એટલે અર્જુનનું તીર જોઈ લ્યો, એક જ ઘાએ ગીરના ડાલામથા સાવજને ઢાળી દેતો હતો.
જોરાવરી અને જુવાની હાદાને બથ ભરી ગઈ હતી.
હમણાં હાદો ડાંગર આઠ દી મોર્ય આણું વળીને આવેલી આહીરાણીમાં ઓળઘોળ બની ગયો છે.
અઢાર વરસની નરવી ને નમણી આહીરાણી ઉપર સૌંદર્ય અને સમજદારીનો ઓપ ઢળી ગયો છે. પાતળી મરોડદાર કાયા ઉપર જોબન ઝૂકી પડ્યું છે.
હાદા જેવા ભડવીર માણસનું પડખું સેવવાની વિધાતાએ પોતાના કરમમાં મારેલી ટાંકથી એને હૈયે પરમ સંતોષનો પરમાટ પથરાણો છે!
એકબીજા વચ્ચે હેતપ્રીતના સામ-સામા અંકોડા ભીડાઈ ગયા છે.
હાદાની આંખ્યું ઊઠી છે, પોપચાં લાલ ઘોલાર મરચા જેવાં થઈને બહાર નીકળી ગયાં છે. આંખ્યુંમાં મરચાં આંજી દીધાં હોય એવી વેદના ઊપડે છે. કઠણ છાતીનો જણ દુઃખને દાબીને ઓરડામાં આડે પડખે થયો છે. ભરણ ભરીને આંખે પાટા બાંધ્યા છે.
સૂરજદાદા દિવસભરના દુનિયાના રંગ જોઈને આથમણા આભમાં ઊતરવાની સાબદાઈ કરી રહ્યા છે. સંધ્યા સૂરજનાં વધામણાં કરવા ગલાલભર્યા મોડીએ ક્ષિતિજને છેડે આવીને ઊભી છે.
સાંજ ઢળી કે ઢળશે એવું વેળું છે ત્યાં તો બૂંગીઓ વાગ્યો. ધ્રીજાંગ ધ્રીજાંગ ધ્રીજાંગ ઢોલ ઉપર દાંડી પડવા માંડી.
ઓરડામાં સૂતેલા છલાંગરના કાન ચમક્યા. સાવજ ડણક મારે એમ એ બેઠો થયો. એણે ત્રાગી :
‘મા આ બૂંગીઓ વાગે છે?’
જનેતા દીકરાના બોલ પારખી ગઈ. ઓસરીની કોર અડીને હાદાની માએ ઓરડાનાં કમાડ બંધ કરીને હળવે હાથે સાંકળ ચડાવી દીધી અને પછી બોલી :
‘ના દીકરા, ઈ તો અમથો ઢોલ વાગે છે.'
માએ દીકરાને પટાવ્યો. કારણ કે એ જાણતી હતી કે બૂંગીઆનો અવાજ ઊડતાં જ હાદો ઝાલ્યો નંઈ રે.
બૂંગીઆનો અવાજ ગામ માથે ગળોટિયા ખાવા લાગ્યો : ધીંજાંગ ધ્રીજાંગ...
હાદો ઊઠ્યો, હાથમાં તલવાર લીધી, બંધ બારણાં ઉઘાડવા આંચકો માર્યો! બારણાં બંધ જાણી એ ડણક્યો :
‘ઉઘાડો બારણાં.’
મા એનો વિચાર કરશે ઉપરવાળો. બારણાં ઉઘાડ. ગાયુંનું ધણ વળે ને હું પડ્યો રહું તો તો ડાંગરના ખોરાકને ખોટ બેસે.'
જુવાન દીકરાને જુદ્ધે ચડવા દેવા જનેતાનો જીવ ન ચાલ્યો. ‘બેટા, આજ તુંને નંઈ જાવા દઉં.’
મા-દીકરાની વડછડ ઓરડામાં ઓસરીની કોરે આડો છેરો કરીને ઊભેલી આહીરાણી સાંભળી રહી છે. હાદો અંદરથી ડણકું દે છે :
‘મા, ઉઘાડ કમાડ; હું કટાર ખોડીને પ્રાણ છોડું છું.’
ધણીને આકરો થયેલો જોઈને આહીરાણી બોલી : ‘બાઈજી! ઓરડામાં ઈ પ્રાણ કાઢશે એ કરતાં રણમેદાન ઠાવકું.'
આહીરાણીના બોલ સાંભળી હાદો બોલ્યો : ‘રંગ છે તારી જણનારીને '
માએ કમાડ ઉઘાડી નાખ્યાં. હાદાએ આંખ્યથી પાટા ઉતારી નાખ્યા, પળનું ય મોડું કર્યા વગર એણે ઘોડો છોડ્યો, ઘોડાને ધરતી સૂંઘતો ભાળી મા બોલી :
‘દીકરા અપશકન થાય છે. ઘોડો ભોમકા સૂંઘે છે.’
‘મા રણે ચડનારને શકન-અપશકનનાં બંધન પાલવે નંઈ.’
વંટોળિયાની જેમ હાદો ડાંગર પાદરમાં પૂગ્યો. વાળા કાઠીઓ ગાયુંનું ધણ વાળી ગયા, એ જ પગલે હાદાએ વાળાઓનું પગેરું દબાવ્યું. પોણો ગાઉનો પલ્લો કાપ્યો હશે ત્યાં તો હાદાએ વાળાઓને પકડ્યા. મોઢકૂવા માથે ધીંગાણું જામ્યું.
ત્રીશ વાળા અને એક હાદો. સામસામા ઝપટ બોલાવવા માંડ્યા, તરવારુ સબાક સબાક વીંઝાવા માંડી પણ એકસાથે પડતા ત્રીશ ત્રીશ ઝાટકાના ઘાથી હાદો વેતરાણો. એની કાયા ઉતરડાઈ ગઈ. હાદાના ઘાથી વાળાઓ ભાગ્યા. ધણ પાછું વળ્યું, પણ હાદો મોઢકૂવાના પટમાં કામ આવ્યો.
આ વાતની સાબીતી આપતો આજે પણ હાદા ડાંગરનો પાળિયો ઊભો છે.
ટાઈપિંગ : નિલેશસિંહ સોલંકી
Comments
Post a Comment