ગરબડદાસ મુખી : આંદામાનની જેલમાં જનારા સૌપ્રથમ ગુજરાતી શહીદ
આંદામાની બદનામ સેલ્યુલર જેલમાં એક મોટું અને લાંબું લિસ્ટ ત્યાં રાખેલા કેદીઓનું મૂકવામાં આવેલું છે. તેમાં ખુભ બારીકાઈથી જોઈએ તો એક જ ગુજરાતી નામ છે તે “ગરબડદાસ મુખી”. કોણ હતા આ ગરબડદાસ મુખી??
તેમનું વતન આણંદ ગામ આજે તો નગર છે. તેમાં નાનું અડધું ફળિયું તે ગરબડ મુખી ના ઘરવાળુ ફળિયું..૧૮૫૭ના વિપ્લવનો સમયગાળો..ભારતભરમાં પ્રથમવાર ગોરાઓને હટાવો તેવો સુર ઊઠ્યો હતો..હિન્દ આ વેપારીના વેષેે આવેલા કપટીઓના કપટને ઓળખતું થયું હતું..દેશભરમાં ઠેર ઠેર ગોરાઓ સામે વિરોધના વંટોળ ચઢ્યા.. ગુજરાત પણ તેનાથી બકાત નહોતું.. તેવો જ અરેરાટી ભર્યો કિસ્સો આણંદના ખાનપુર ગામે બન્યો..બ્રિટિશ સેનાએ ખાનપુર પહોંચીને ચળવળ કરનારા લોકો ઉપર અત્યાચાર કરેલો અને જીવાભાઈ ઠાકોરને ગામ વચ્ચે ફાંસીએ લટકાવી દીધેલા. વસ્તી ત્રાહીમામ પોકારી ગઈ હતી તેમાં આ ખાનપુરના બનાવે આગમાં પેટ્રોલ છાટ્યા જેવું કરી દીધું.. વિપ્લવીઓ ભારે ક્રોધે ભરાયા હતા..આમ જનતામાં આ બનાવે સોપો પડી ગયો હતો.
ખાનપુરમાં સોપો પાડીને ગોરાઓની સેના આણંદની લોટિયા ભાગોળે આવી પહોંચી.. અહીં તેણે કાયમી છાવણી નાખી દીધી.આ છાવણી પર આઝાદીના દીવાના વિપ્લવીઓએ ગરબડદાસ મુખીની આગેવાની નીચે શિવાજી મહારાજની જેમ છાપા માર્યા. સૈનિકો બધા મોજશોખમાં મશગૂલ હતા. ગરબડદાસની સાથે હતા મૂળજી જોશી, બાપુજી પટેલ અને કૃષ્ણારામ દવે. છાપા મારી કરીને બધું ખેદાનમેદાન કરીને ઘોડાની પૂંછડીઓ કાપીને બધા વિદ્રોહીઓ ભાગી ગયા. ગોરાઓની પોલીસ અંધારામાં ગોળીબાર કરતી રહી ગઈ.
બરાબર આ જ દિવસે ગરબડદાસના લગ્ન હતાં. તેમણે લગ્ન કરવા અણોજ ગામ જવાનું હતું. ત્યાં લગ્નની સર્વ તૈયારીઓ થઈ ચુકી હતી. અંધારાનો લાભ લઈ ગોરાઓને હાથતાળી આપી ગરબડદાસ સમયસર અણોજ ગામે પહોંચી ગયા અને લગ્ન પણ થઈ ગયાં.
કમનસીબે કોઈ દગાખોર સાથીદાર ફૂટી ગયો તેણે પોલીસને બાતમી આપી દીધી. પોલીસ પહોંચી ગઈ અને મીંઢળબંધા વરરાજા ગરબડદાસને પકડીને લઈ ગઈ. કન્યા લાલબાઈ બિચારી જોતી જ રહી ગઈ. બધા દિગ્મૂઢ થઈ ગયા. રાજ વિરોધી હીલચાલનો કેસ ચાલ્યો અને તેમને કાળાપાણીની અર્થાત્ આંદામાનની જેલ થઈ. હાથેપગે બેડીઓ બાંધીને તેને સીધો આંદામાન મોકલી દેવાયા.
તેમની પત્ની લાલબા....એક બહાદુર વિરાગના.. ચોરીમાંથી જ મીંઢળબંધા પતિને ઉપાડી જનાર સરકાર સામે તે વીફર્યા તો ખરાં પણ કરે શું?
એક તો તે અભણ. પણ તે હાર્યા નહિ.
એક તો તે અભણ. પણ તે હાર્યા નહિ. ભારે હિમત સાથે તેમણે મુંબઈની વાટ પકડી. અથડાતાં-કૂટાતા તે જેમતેમ મુંબઈ પહોંચ્યા અને મુંબઈમાં અંગ્રેજ ગવર્નરનો બંગલો શોધી કાઢ્યો. ત્યાં પહોંચી. કોઈ તેને અંદર ન જવા દે. પણ તે હારે તો વીર ગરબડદાસના પત્ની નહિ, અંતે ગવર્નરની નજર તેમના ઉપર પડી. તેણે તેમને બોલાવી. દુભાષિયાના માધ્યમથી બધી વાત સાંભળી. ગવર્નરને નવાઈ લાગી, આ સ્ત્રી છેક આણંદથી અહીં આવી કેવી રીતે? પતિપ્રેમ શું નથી કરાવતો? હજારો અડચણો અને મુસીબતો તુચ્છ થઈ જાય છે. જો પૂરા પ્રેમનું જબરદસ્ત દબાણ હોય તો.
ગવર્નરે તેને આશ્વાસન આપ્યું અને બનતી મદદ કરવાનું વચન આપ્યું. લાલબા પાછી વળી. આણંદના લોકોએ તેના સાહસને વધાવી લીધું. ગવર્નરે પત્રવ્યવહાર કર્યો, પણ ગરબડદાસ આંદામાનની જેલની કઠોરતાને સહન ન કરી શક્યા.૧૮૫૭ ના બળવાને હજી ત્રણ જ વર્ષ થયાં હતાં. ૧૮૬૦માં માત્ર ૨૩ વર્ષની વયે તેણે જેલમાં જ પ્રાણ ત્યાગી દીધા. આ અંગે ઈતિહાસકારોમા વિવાદ છે કે તેમના પ્રાણ ગયા કે ત્યજ્યા?
આ પહેલો અને કદાચ છેલ્લો ગુજરાતી પાટીદાર હતો, જેણે આંદામાનની જેલમાં જ શહીદી વહોરી લીધી હતી.
એક રીતે જોઈએ તો આપણે ગરબડદાસ મુખીને યાદ કરીએને નમીએ એથી ય વિશેષ લાલબાને નમવું જોઈએ..
Comments
Post a Comment